carryonkesarcover

CarryOn કેસર : #CarryOn ગુજરાતી સિનેમા

ચલો.. ગુજરાતી સિનેમા છેવટે થોડું ‘વયસ્ક’ થયું! છેલ્લા કેટલાય સમયથી, સાચે તો ‘બે યાર…’ આવ્યા પછી એક પરફેક્ટ લેવલની ગુજરાતી ફિલ્મ આવી નથી. વચ્ચે થોડી નહિ, ઘણી ફિલ્મો આવી.. પણ એમને જોઇને મોટેભાગે એમ જ લાગે કે આ આવી જ કેમ??!! મારા મતે, અત્યાર સુધી બનેલી બધી ગુજરાતી ફિલ્મોમાં કદાચ સહુથી બેસ્ટ, પણ ‘બે યાર..’ સિવાય. અને સહુથી વધુ, કદાચ એકમાત્ર ફિલ્મ, જેનો પ્રોમો જોઇને ફિલ્મ પ્રોમો કરતા પણ ચડિયાતી લાગી!

ઘણા સમયથી પ્રોમો જોયો હતો. સ્ટારકાસ્ટ, વિષયવસ્તુ, માવજત.. બધું જ જોઇને ફિલ્મ પાસેથી એક્સ્પેક્ટેશન વધી ગઈ હતી. બહુ ઓછી ફિલ્મ હોય છે જે એક્સ્પેક્ટેશન બનાવ્યા પછી એની પર પાર પડે! ઘણી સારી કહી શકાય એવી ફિલ્મો આવી, પણ તેમાં પ્રોડક્શન બાબતે થોડીક ઓછી મદદ દેખાઈ. થોડી મોટા બેનરની ફિલ્મ આવી, પણ કૈક કાચું પડી જાય એવી લાગણી રહી. પણ આ બાબતે Carry On કેસર અલગ રહી છે.. બંને માં પૂરા માર્ક્સ!! ફર્સ્ટ ડે, રાતના શો માં જવા છત્તા, સિનેમાહોલમાં જૈફ વયનું એક યુગલ, બે પરિવાર અને એક તો અભિનેતા જ ફિલ્મ જોવા આવ્યા હતા. ગણીને ૧૧ જણા જ આખા સિનેમા હોલમાં! છેલ્લી ફિલ્મમાં થોડાક ખરાબ અનુભવોના કારણે, ફિલ્મ જોવાનો મૂડપણ મારી ગયો હતો.

પણ, નાની સ્ક્રીન પર પણ મોટા બેનરના નામ સાથે જે રીતે ફિલ્મ શરુ થઇ, બોલીવુડની કોઈ બીગ બજેટ ફિલ્મ શરુ થાય તેવો આસાર મળ્યો! અને પહેલી જ ફ્રેમ… પેરીસ!! આહ્હ!! રોમેન્ટિક સિટીને પહેલી વખત પ્રમાણીકતાથી બતાવું છે કોઈ ગુજરાતીએ!! ન્યુડ સ્કલ્પચર સાથેનો સીન ફિલ્મને શરુ કરે!! બાકી જોરદાર! અને પહેલા જ ડાયલોગ્સ.. પેરિસમાં રેહવા છત્તા પણ.. ‘આદુ ખાઈને પાછળ પડી જાય એ ગુજરાતી” જેવો સંવાદ!! કોઈ પણ ટાઇમ વેસ્ટ કર્યા વગર સીધા જ સ્ટોરી માં પહોંચાડે!! ચાલો, આ ટેવ બધી ફિલ્મોમાં દેખાય છે હવે!

એક વસ્તુ તો છે, ગુજરાતી છોકરી ગમે તે કપડા કેમ ન પહેરે… ચણીયાચોળીમાં જેવી દેખાય, એટલી ‘હોટ’ બીજા કોઈ પણ કપડામાં ન લાગે! આનો એકદમ પરફેક્ટ સદુપયોગ ફિલ્મમાં થયો છે. આખી ફિલ્મમાં વેસ્ટર્ન લૂકમાં દેખાતી હિરોઈન જયારે ચણીયાચોળી પહેરીને આવે ત્યારે સાવ અલગ જ લાગે છે!!

મુખ્ય વાત: “આ નવી પેઢીને ગુજરાતી ગમતું જ નથી!” આવા વેવલાવેડા કર્યા વગર, ઇતિહાસમાં પહેલી વખત બાંધણી, લહેરિયા, પટોળા અને બ્લોક પ્રિન્ટીંગ ની કામગીરી પૂરી ડીટેલીંગમાં બતાવી!! શું કામ અત્યાર સુધી આ બધું ન કર્યું?? કોણે રોક્યા હતા? માત્ર અને માત્ર આ જ કારણે, ગુજરાતી ફિલ્મો પડી ભાંગી હતી! મોઢામાંથી લોહી નીકળતા હીરો અને ‘એક ભવમાં બે ભવ ન થવા દઉં’, ઘોડા, રિક્ષાવાળા વગેરેમાંથી બહાર આવ્યા હોત તો આજે દ્રશ્ય કૈક અલગ જ હોત! NRI એવી પીન્કી પરીખ અચાનક સાડલો પે’રીને ઓવરએક્ટિંગના બધાં જ રેકોર્ડ તોડી, ભેંસની જેમ ભાંભરવાનું શરુ કરી દે, આ બધું જ દેખાડો તો કોણ જુએ એને વળી?? આ પેઢી તો નહિ જ! સવાલ તો પૂછશે જ, કેમ બધી હિરોઈન આવી હોય? જવાબ: અલ્યા ગુજરાતી હિરોઈન તો આવી જ હોય.. તો ચાલો ત્યારે, ગુજરાતી ભાષાને જ અમારા જે શી ક્રસ્ણ!!

પણ, આપણી સંસ્કૃતિમાં જ કહેવાયું છે ને, સવારના ભૂલ્યા સાંજે ઘરે આવે તો ભૂલ્યા ન કે’વાય.. જો આવી જ રીતે કેરી ઓન કરતા રહ્યા તો ગુજરાતી ફિલ્મોનો ‘સાચો સુવર્ણકાળ’ દૂર નથી!

aavi hu aavi - carry on Kesar

‘એની’ ના પાત્રને પહેલી જ ફ્રેમથી અવની મોદીએ જીવી લીધું છે! આખી જ ફિલ્મમાં બધી જગ્યાએ પરફેક્ટ ડ્રેસ ડીઝાઈનરના રોલમાં ફીટ બેસે છે. પેરીસનો પ્રભાવ અને ગુજરાતી રૂબાબ, બંનેને પરફેક્ટ સેટ કરે છે. ફિલ્મમાં બધા જ દ્રશ્યો અને ગીતોમાં સરસ સેટ થઇ જાય છે.  પહેલા જ ગીતમાં, થોડુક cliche લાગે તેમ છત્તા સુટ્ટા ના સીનથી લઈને કપડા ધોવા સુધી અને ફુલ્લી કોન્ફિડેન્સથી ફરનારી કૂતરાને જોઇને ભાગે છે, તે પણ જોરદાર!!  થોડુક અટપટું, થોડુક અતડું, ઈમોશનલ અને બિન્દાસ એકસાથે. પણ, કદાચ ફિલ્મની ગતિ માટે કે અન્ય કારણથી જે રીતે ડેવલપ થવું જોઈએ તેટલું ડેવલપ થયું નથી.

Ritesh Mobh

ડોક્ટર!! રીતેશ મોભ ડો.પ્રતિક જોશીના રોલમાં જામો પાડી દે છે! લંડન રીટર્ન લીંબડીવાસી જબરદસ્ત છે. ગુજરાતી હીરોનું કેરેક્ટર મોટેભાગે થોડુક ભોટ રાખવું પડે છે. આવી પ્રણાલી અહિયાં પણ દેખાય છે, પણ સ્ટોરી પ્રમાણે એકદમ પરફેક્ટ છે. ડોક્ટર તરીકેનું નોલેજ, પિતા સાથેની તકરાર, ગુજરાતીઓની વેપારવૃત્તિ બધું જ એમના કેરેક્ટરમાં બખૂબીથી વણી લેવાયું છે. ફિલ્મના સંવાદ લેખકને પૂરેપૂરા માર્ક્સ!! કેરેક્ટરને આગળ લાવવા ડાયલોગ્સ ખૂબ જ મહત્વના છે, જે ફિલ્મના મૂડને પૂરો જાળવી રાખે છે. આટલા મોટા અને ખમતીધર કલાકારો સામે પ્રતિક જોશીનું પાત્ર થોડુક નબળું પડે છે.Darshan Jariwala

બાપુ!! માની ગયા!! ગમેલી છેલ્લી બંને ફિલ્મોના મહત્વના કલાકાર : દર્શન ઝરીવાલા!! બોસ, મોટા નામવાળા કલાકાર છે એટલે નહિ પણ મોટા નામ જેવું જ કામ કરી બતાવે છે એટલે આજે પણ કોઈ પણ પેઢીમાં આટલા ફેમસ અને સક્સેસફૂલ મનાય છે! સ્ટાઈલ ના સરદેસાઈથી કેરી ઓન કેસર ના પટેલ!! બધા જ પાત્રોને પૂરી ઈમાનદારીથી ભજવ્યા છે. ઘણી વખત લાગે ને, અમુક પાત્ર આ એક્ટર સિવાય કદાચ બીજા કોઈ ભજવી ન શકે, કદાચ આ પણ એક એવું જ પાત્ર હતું. બાકી જોરદાર!! ધારદાર સંવાદ! એક્ષ્પ્રેશન્સ!! ભલે પછી તે મગજ મુકીને જોવાની કોમેડી હોય, વેપારીબુદ્ધિ અને ચાલાકી, લાગણીસભર દ્રશ્યો, એકદમ ગંભીર સંવાદ… કોઈ પણ પરિસ્થિતિમાં પૂરેપૂરા બદલાઈ જાય છે!  “એક હ્બસીને તારામાં રસ છે!” “મને મારી બૈરીથી બીક નથી લાગતી… બસ, થોડો ડર લાગે છે!!” બોસ્સ!! જોરદાર! સ્કૂલના સીન હોય કે બેડરૂમના, હોસ્પિટલ ના સીન્સ હોય કે પછી પોલીસ સ્ટેશન ના! બધામાં પરફેક્ટ પરફોર્મન્સ! નસીબ દર્શકોનું સારું છે કે દર્શનભાઈ ગુજરાતી ફિલ્મોમાં કામ કરે છે!!

Supriya Pathak

સેક્સી! ફિલ્મની શરૂઆતમાં જયારે ડીઝાઇનિંગ વર્ક સાથે બ્લેક એન્ડ વ્હાઈટ ફોટોમાં જુના સમયનો ફોટો દેખાય છે ત્યારે જોઇને પહેલો ઉદગાર આ જ  નીકળ્યો હતો!! ૩૫ વર્ષ પછી પહેલી વખત ગુજરાતી ફિલ્મમાં કામ કર્યું છે કારણ કે સ્ક્રીપ્ટ નહોતી મળતી!! ક્યાં છે પેલા અક્કલમઠા ‘ગુજરાતી ફિલ્મના સુવર્ણકાળ’વાળા મહાનુભાવો!! છે કોઈ ગુજરાતી ફિલ્મ ઠેકાણાવાળી?? જો એ સાચું હોત, તો કેમ કદાચ આપણા દેશ અને ભાષાની સહુથી બેસ્ટ એક્ટ્રેસ માંથી એક એવી એક્ટ્રેસ માટે કોઈ સ્ક્રીપ્ટ ન મળે? કેસર!! નામ પ્રમાણે જ જેમ કેરી માં કેસર બેસ્ટ એમ જ એક્ટિંગ માં સુપ્રિયા પાઠક! વેક અપ સીડ, રામલીલા, મૌસમ હમણાં આવેલી ત્રણેય ફિલ્મમાં નાયક/નાયિકાના માતાના રોલમાં જે રીતે એક્ટિંગ કરી હતી, એ ત્રણેય નો થોડોક ચમકારો અહિયાં દેખાય છે. આ પાત્રમાં પણ કદાચ આટલું બેસ્ટ પરફોર્મન્સ બીજું કોઈ ન આપી શક્યું હોત!! ભલે ખીચડીની હંસા હોય કે અહિયાં entrepreneur કેસર, એક પરફેક્ટ ગુજરાતણ!! વર્સેટાઇલ એક્ટ્રેસ. જયભાઈ એ કહ્યું તેમ, ઓસ્કાર નોમીનેશન ના લેવલની અદાકારા!

Leave a Reply

Your email address will not be published.