ભલા મોરી રામા – જુનું ગીત છુપાવવાનો પ્રયાસ?

‘ભુજ’ ફિલ્મમાં સંજય દત્ત પર “ભાઈ ભાઈ… ભલા મોરી રામા, ભલા તારી રામા” – આ ગીત ફિલ્માવામાં આવતા જ અચાનક ક્રેડીટ વગેરેની બબાલ ચાલુ થઇ ગયી છે. ખરું પણ છે. ક્રેડીટ તો મળવી જ જોઈએ, પણ કોને? આ ઘોડાપૂરમાં હમેશા વહી જતા પહેલા, થોડીક બાબતો તો વિચારી લેવાય ને? જેમ કે,

 • આ ગીત પહેલી વખત ક્યાં સાંભળ્યું છે?
 • શું આ ગીત કોઈ લોક્ગીત છે? છે તો ઉત્પત્તિ વિષે શું માહિતી?
 • શું આ પહેલા પણ આનું કોઈ વર્ઝન બનાવવામાં આવેલું છે?
 • જો આ ગીત, તમે જયારે સાંભળ્યું તે વખતે લખાયેલું નથી, તો જે-તે સમયે તે રીલીઝ થયું, તે વખતે કઈ ક્રેડીટ તમને યાદ છે?

આ ગીત જયારે લોકપ્રિય થયું, 2011માં, તે સમયે હું કોલેજમાં હતો. મારા એક મિત્રે મને કહ્યું કે, “અલ્યા નવું ગુજરાતી ગીત આવ્યું છે. સાંભળ્યું?” મેં પૂછ્યું કયું? તો ઉત્તર આવ્યો કે, “ભાઈ ભાઈ… ભલા મોરી રામા, ભલા તારી રામા”. મેં કહ્યું કે આ તો બહુ જૂની ફિલ્મનું ગીત છે. મિત્રે કહ્યું, “તને ના ખબર પડે લ્યા… પિકચરનું નૈ, નવું ગીત છે. તને ના ખબર પડે.”

કોલેજથી ઘરે જતા બાઈક પર આ વાત થતી હતી. બાઈક ચલાવતા ચલાવતા હું વિચારમાં પડી ગયો કે, ભાઈ 1996ની આસપાસ આ ગીત મેં દૂરદર્શન ગુજરાતી પર આવતા ‘ચિત્રગીત’ નામના કાર્યક્રમમાં જોયેલું છે, તો પછી આ ગીત નવું થયું કેમનું? પછી આ ગીત સાંભળતા જ ખબર પડી, કે તર્જ એ જ છે, ધૂન એ જ છે, મુખ્ય કડીઓના શબ્દો પણ એ જ છે, ખાલી વચ્ચેના અંતરા બદલાયા છે. તો એમાં આ ગીત નવું કેમનું થઇ ગયું? હા, રીમીકસની જેમ નવું કહેવાય, એની ના નહી; પરંતુ આ ગીતને ઓરીજીનલ તો ન જ કહેવાય. આવા રીમીક્સ તો કેટલાય આવી ગયા પરંતુ ઓછી જાણકારીના કારણે ઘણી ગેરસમજ થાય છે. જયારે ‘કાંટા લગા’ આવ્યું તો લોકોને સમજાવતા સમજાવતા થાકી જવાયું કે આ તો અસલમાં લતા મંગેશકરે ગાયેલું ગીત છે. તે સમયે લોકો કહેતા કે લતા મંગેશકર તો આવા ગીતો ગાતી હશે? મૂરખ જેવી વાત કરે છે.

મહેનત કરીને યુ-ટ્યુબ પરથી જુનું ગીત શોધી કાઢ્યું. ફરી જોયું ને શેર પણ કર્યું. ગીત છે ફિલ્મ ‘મહિસાગરને આરે’નું. આ ગીતમાં ભવાઈનું સંગીત ભૂંગળ સાથે શરુ થાય છે. અલગ અલગ વેશભૂષા સાથે લોકો જોડીમાં આવે છે અને ગાયક એમની વેશભૂષા પરથી તે ક્યા સમાજના છે તે જણાવે છે. જેમ કે, બ્રાહ્મણવાડા, વાણીયાવાડા, કણબીવાડા વગેરે.

એક દાયકા બાદ, ૨૦૨૧માં અજય દેવગનની ફિલ્મમાં સંજય દત્ત પર ફિલ્માવેલું એક ગીત આવે છે. મિકાના સ્વરમાં વાહિયાત રીતે ગવાયેલું ‘ભાઈ ભાઈ… ભલા મોરી રામા…’. અને અચાનક, ફેસબુક પર પોસ્ટ્સ આવવા માંડે છે કે આ તો અરવિંદ વેગડાએ બનાવેલી ‘ઓરીજીનલ’ રચના છે!! ઓરીજીનલ કમ્પોઝરને ક્રેડીટ આપો!! અરે આ ગીત અરવિંદ વેગડાની અસલ રચના કેમની હોઈ શકે??!! અને આ વાત વાતમાં ગુજરાતી અસ્મિતા અને દેશપ્રેમ ને ભાષાપ્રેમ ને મહાન સંસ્કૃતિના નામે બણગા ફૂંકનારા વાસ્તવમાં અભણ લુખ્ખાઓ જ છે?? કોઈકે એક વાત પકડાવી તો વાસ્તવિકતાને જોયા વગર મંડીપડ્યા પોસ્ટ ને કોમેન્ટ્સ અને હેશટેગ બનાવનારા.

મને થયું, લાવો પેલું ગીત શેર કરીને કહી તો દઈએ કે ભાઈ આટલા જુના ગીતને તમે અરવિંદ વેગડાની ઓરીજીનલ કમ્પોઝીશન કહો છો તો ક્યા આધાર પર? ત્યાં તો આ ગીત જ દેખાતું બંધ થઇ ગયું!! ઘણું જ શોધ્યું પણ ગીત જ ન મળે. અતિશય નવાઈ લાગી, કે આ ગીત ગયું ક્યાં? કંટાળીને ફિલ્મ જ ચાલુ કરી. ફાસ્ટ ફોરવર્ડ કરીને જોઈ તો ગીત ન મળે. મને થયું કે કોઈક બીજી ફિલ્મનું ગીત તો નહોતું? પછી અભિનેતાઓને જોયા તો ખ્યાલ આવ્યો કે ના, આ જ કલાકારો હતા. ૩-૪ વખત રીપીટ કર્યું, ગીત ન મળે. પછી મેં ફિલ્મના વિડિઓની અપલોડ ડેટ જોઈ તો આવી ૨૦૧૯. મેં ફિલ્મમાં આ જ ગીત યુ-ટ્યુબ પર ઘણી પહેલા જોયેલું છે. પણ નિષ્કર્ષ મળ્યો તો આઘાતરૂપ હતો.

‘મહિસાગરને આરે’ ફિલ્મની નવી પ્રતમાં આ ગીત નથી. જુના ગીતનો વિડીઓ પણ ગાયબ છે.

આ ફિલ્મના વિડીઓને ફરીથી અપલોડ કર્યો છે અને એમાં આ ગીત કાઢી નાખવામાં આવ્યું છે. માની ન શકાય તેવી બાબત છે આ. ફિલ્મની લિંક પરથી ખ્યાલ આવે છે કે આ ફિલ્મ એક જાણીતા પ્રોડક્શન હાઉસ ‘પેન ગુજરાતી’ના આધીનમાં છે. મેં તેમને મેઈલ લખીને આ બાબતે પૃચ્છા કરી, પરંતુ આપણા દેશી ‘કલ્ચર’ પ્રમાણે પ્રશ્નોને ઉત્તર નથી મળતા. મેઈલના રીપ્લાય ન મળે. સહુથી મોટી લોકશાહી છે, પ્રધાનમંત્રી પણ ક્યાં પ્રેસ કોન્ફરન્સ કરે છે? યુટ્યુબ પર ઉપલબ્ધ આ ફિલ્મની લિંક: https://www.youtube.com/watch?v=JfockiXOSBo&ab_channel=PenGujarati

ત્યારબાદ પ્રયાસ કર્યો અમુક લોકોને પૂછવાનો કે શું આ ફિલ્મના કલાકારો સાથે સંપર્ક થાય એમ છે? પરંતુ કોઈ ઉત્તર નથી મળ્યો. નીચે આ તમામ લોકોની માહિતી છે.

 • નિર્માતા: આર.જે.પિકચર્સ, રાવજીભાઈ જે. પટેલ
 • રજુઆત: પ્રફુલ્લા મનુકાંત
 • ગીત-સંગીત સંશોધન: પ્રફુલ્લ દવે, હાર્દિક દવે
 • સંકલન: કાંતિભાઈ શુક્લ
 • સંગીત: ધીરજ ધાનક
 • કથા-પટકથા-ગીત-દિગ્દર્શક: ગિરિષ મનુકાંત
 • કલાકારો: રણજીત રાજ, સ્નેહા, ફિરોઝ ઈરાની

અહિયાં કમનસીબી એ છે કે, દિવ્ય ભાસ્કરની સ્ટોરી પરથી જાણવા મળ્યું છે કે ૧૯૮૯માં બનેલી આ ફિલ્મના ગીતના કોપીરાઇટ 2011 બાદ આપેલા છે. આવી બાબત જો થતી હોય તો આ ભાષાનું સન્માન ધૂળ ને ઢેફા આ પેઢી કરી શકશે? પાશ્ચાત્ય સંસ્કૃતિના અપમાન જે સાંઈરામદવે અને અન્ય ગુજરાતી કલાકારો શરમજનક અને હલકી રીતે કરે છે તે તો આ પેઢીએ જોઈ લીધું છે અને એક ગુજરાતી તરીકે શરમ પણ અનુભવી છે. પરંતુ જો આ ગુજરાતી ભાષા આ સંસ્કૃતિના સ્થાને પાશ્ચાત્ય સંસ્કૃતિમાં હોત તો ભાષાનું આટલું અપમાન ન હોત. ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ અને ‘ગુજરાત સાહિત્ય અકાદમી’ તો વાહિયાત રીતે ભાષાને, દેશી ગુજરાતી ભાષામાં જ કહીએ તો ‘રાંડેલી સ્ત્રી’ જેવી જ કરી નાખી છે. થોડીક આશા છે જે હમણાંના સમયથી પ્રવૃત્ત રહેલી GLF (ગુજરાત લીટરેચર ફેસ્ટીવલ) ટીમ તરફ છે. કદાચ તે લોકો સાહિત્યકારો અને મહાનુભાવોનો સંપર્ક કરીને આ બાબતને ઊંડાણથી જોઈ શકે અને આ ભાષાની થોડીક લાજ બચાવી શકે. કારણ કે જો ભાષાનો ઈતિહાસ જ આવો શરમજનક રહેશે તો વારસો શું કહીને આપીશું?

અરવિંદ વેગડા એક ખુબ જ ઉત્તમ કલાકાર અને વ્યક્તિ છે એ બાબતમાં કોઈ જ ના નથી. છેલ્લા દશકમાં અને હજીય કદાચ લાંબા સમય સુધી, એ જ એક ગુજરાતી રોકસ્ટાર તરીકે રહેશે જેની પર કોઈ શંકા નથી. એમણે નવી પેઢીમાં આ ગીતને પ્રખ્યાત બનાવ્યું છે અને એ બાબતમાં તે હમેશા સર્વોપરી રહેશે. આ બાબતે એમને પૂરી ક્રેડીટ છે અને એમની પર સમરકંદ-બુખારા ઓવારી જવાય. એમણે આ ગીતમાં પોતાના શબ્દો વાપરીને એક આધુનિક રમુજી ‘ટચ’ આપ્યો છે, એ શબ્દો પર કદાચ તે કોપીરાઇટ લઇ શકે. પણ, ‘ભાઈ ભાઈ’ અને ‘ભલા મોરી રામા’ને પોતાના કોપીરાઇટમાં ગણતા હોય તો એ બાબત ગંભીર છે. બંને ગીતોની સરખામણી અલગ લેખમાં વિસ્તારથી લખવી પડે એમ છે અને એમાં અરવિંદ વેગડાની રચના આ નવા ગીત કરતા લાખ ગણી નહી પણ કરોડ ગણી સારી છે. પરંતુ, ફેસબુક, ટ્વીટર અને યુટ્યુબ પર, જે રીતે લબરમૂછીયાઓ મંડી પડ્યા છે, – એ બાબત આ ભાષા, રાજ્ય, દેશ બધાય માટે શરમજનક અને ભયાનક છે એ અત્યારે યુદ્ધના ધોરણે જોવું જ પડે.

ક્રેડીટ:
ફિલ્મનું પોસ્ટર: પેન ગુજરાતી/gujjubhai.in. – link
ગુજરાતી સાહિત્ય પરિષદ – સંસ્થાનો લોગો – link
ગુજરાત સાહિત્ય અકાદમી – સંસ્થાનો લોગો – link
GLF – ગુજરાતી લીટરેચર ફેસ્ટીવલ – સંસ્થાનો લોગો – link

Leave a Reply

Your email address will not be published.