ભાઈ ભાઈ… ભલા મોરી રામા – old lyrics 1989

મોટાભાગના લોકોએ ભવાઈની આ રચનાના શબ્દો 2011 બાદ સાંભળ્યા છે. જો તમે કેટલાય ગુજરાતીની જેમ અંધારામાં હોવ અને ધડાધડ ઝંડો લઈને ભાગતા હોવ તો જરા જાણી લો કે આ ગીત 2011માં નથી રચાયું. વાસ્તવમાં તો ભવાઈમાં આ ઢાળમાં કેટલીય રચનાઓ પ્રાચીન કાળથી બનેલી છે. પરંતુ અત્યારે એક ખોવાઈ ગયેલી (કે કોઈ કારણોસર છુપાડી દેવામાં આવેલી) ફૂજ્રતી રચનાની વાત કરવી છે. 1989માં ‘મહિસાગરને આરે’ ફિલ્મમાં રહેલા આ ગીતના શબ્દો આપ નીચે જોઈ શકો છો. અત્યારે ક્યાય ન મળતી આ રચના ફરી પાછી ખોવાઈ ન જાય તે માટે જ આજે આ બ્લોગ લખવો પડ્યો છે.

તાક થૈયા થૈયા થૈયા હા..
તાક તાક થૈયા થૈયા થૈયા હા..
તાક તાક થૈયા થૈયા થૈયા હા..

એ………
નાનેરા માં’રાજ ને મોટેરું ટીલું,
પાઘડી ઢીલી ને મોઢું છે વિલું
એ ટુંકડી પોતડી ને તુલસીકયારા,
ઈ એંધાણીએ.. એ ભામણવાડા રે.. ભલા ભલ
ભાઈ ભાઈ.. ભાઈ ભાઈ..
હે ભલા મોરી રામા, ભલા મોરી રામા
ભલા મોરી રામા, ભલા મોરી રામા
હે ભલા મોરી રામા, ભલા મોરી રામા
ભલા મોરી રામા, ભલા મોરી રામા

હે………
નાજુક નાર ને ઘરેણા ભારી,
કાલી-ઘેલી બોલી ને ચાલ લટકાળી.. (ઓ હો..)
એ પાઘડી મોટી… ને………
પાઘડી મોટી ને શેઠજી જાડા,
ઈ એંધાણીએ.. એ વાણીયાવાડા, રે હો….
હે ભલા મોરી રામા, ભલા મોરી રામા
ભલા મોરી રામા, ભલા મોરી રામા
હે ભલા મોરી રામા, ભલા મોરી રામા
ભલા મોરી રામા, ભલા મોરી રામા

જેની વાંકડી મૂછું, અને વાળ રૂપાળા,
હાથમાં હોકા ને કરે ખોંખારા..
(કેવા ખોંખારા?? ખ્હ્હ…)
વળી ઘેર ભડા.. રે…..
ઘેર ભડા અને પગમાં તોડા,
એ રે એંધાણીએ… ઓયે રજપૂતવાડા રે ભાઈ ભાઈ…
હે ભલા મોરી રામા, ભલા મોરી રામા
ભલા મોરી રામા, ભલા મોરી રામા
હે ભલા મોરી રામા, ભલા મોરી રામા
ભલા મોરી રામા, ભલા મોરી રામા

એ………
ભગર ભેંશુ અને વળી બળદ વઢેરા
ઈ ઘરમાં જુઓ તો ઘાસના ભારા
(ભારા… ભારા….)
એ ખીંટીએ નાડા ને કોઠીએ દાણા
ઈ એંધાણીએ, એ કણબીવાડા રે ભલા મોરી રામ ભાઈ ભાઈ..
હે ભલા મોરી રામા, ભલા મોરી રામા
ભલા મોરી રામા, ભલા મોરી રામા
(બોલો)હે ભલા મોરી રામા, ભલા મોરી રામા
ભલા મોરી રામા, ભલા મોરી રામા
(બોલો)હે ભલા મોરી રામા, ભલા મોરી રામા
ભલા મોરી રામા, ભલા મોરી રામા
હે ભલા મોરી રામા, ભલા મોરી રામા
ભલા મોરી રામા, ભલા મોરી રામા

તાક થૈયા થૈયા થૈયા હા..
તાક તાક થૈયા થૈયા થૈયા હા..
તાક તાક થૈયા થૈયા થૈયા હા..

  • ફિલ્મ: મહિસાગરને આરે (1989)
  • નિર્માતા: આર.જે.પિકચર્સ, રાવજીભાઈ જે. પટેલ
  • રજુઆત: પ્રફુલ્લા મનુકાંત
  • ગીત-સંગીત સંશોધન: પ્રફુલ્લ દવે, હાર્દિક દવે
  • સંકલન: કાંતિભાઈ શુક્લ
  • સંગીત: ધીરજ ધાનક
  • ગાયક: બાલકૃષ્ણ – પ્રફુલ્લ દવે (અંદાજીત)
  • ગીતકાર: રાજેન્દ્ર સરૈયા (અંદાજીત)
  • કથા-પટકથા-ગીત-દિગ્દર્શક: ગિરિષ મનુકાંત
  • કલાકારો: રણજીત રાજ, સ્નેહા, ફિરોઝ ઈરાની

આ ગાયક અને ગીતકારના નામ અંદાજીત છે. હજી સુધી પાકી મહિતી મળી નથી. જો હજીય મોટાભાગના ગુજરાતી એમ માનતા હોય કે આ ગીત 2011માં બનાવવામાં આવેલુ છે તો આ ભાષાનું સન્માન લેવું છોડી દેવું જોઈએ. જો આ ગીતના કોપીરાઇટને 2011 માં કોઈને આપવામાં આવ્યા હોય તો આ એક ભયાનક બાબત છે. જો આટલા બધા પાઠ્યપુસ્તક મંડળ, સાહિત્ય પરિષદ, સાહિત્ય અકાદમી આ બાબતે જોઈ ન શકતી હોય તો આ જ ક્ષણે તેમણેપોતાના કાર્યાલયોમાં તાળું મારીને મૂકી દેવું જોઈએ. આ બાબતે તેઓ જો હસ્તક્ષેપ કરીને ચોખવટ ન આપી શકે તો ગુજરાતી ભાષાનો રૂઢીપ્રયોગ ‘હરામ હાડકાના’ તેમના માટે યોગ્ય ગણી શકાય. જો આ બધી બાબતે તે કઈ ન કરી શકે તો આ સંસ્થાઓનું કામ શું છે?

ભવાઈ – વાસ્તવમાં લુપ્ત ગણી શકાય તેવી કળા. યુટ્યુબ પર સારી કક્ષાના કહી શકાય તેવા વિડીઓ નથી મળતા. ઉપરોક્ત ગીતનો વિડીઓ તો વાસ્તવમાં અભ્યાસ માટે ખુબ જ ઉપયોગી કહી શકાય તેવો વિડીઓ હતો, પણ તેને કાઢી નાખવામાં આવ્યો છે. એ ગીતને મનોરંજનની દ્રષ્ટિએ પણ બીજા કોઈ પણ ભવાઈ વિડીઓ કરતા ઉપર જ મુકવું પડે. ભૂંગળ, ઢોલ અને ખાસ તો કમર પર તબલા ભરાવીને નાચનારા કલાકારને જોઇને નવી પેઢીને આશ્ચર્ય થાય જ – જો આ વિડીઓ ફરી પાછો મળી શકે તો. કમનસીબે, જયારે પ્રોગ્રામ થશે ત્યારે ઠાવકા મોઢે મોટી મોટી વાતો કરનારા મહાનુભાવો બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળશે, પરંતુ અત્યારે જયારે ભવાઈને આની આવશ્યકતા છે તો તેની સહાયતા માટે જોઈ નહી આવે.

નવાઈની વાત તો એ છે, કે સક્રિય હોવા છતાં, પ્રફુલ દવે કે તેમના સહકાર્યકરો તરફથી કોઈ પણ પ્રતિક્રિયા નથી જોવા મળી રહી. ૨૦૨૧માં ભુજ ફિલ્મના ગીતમાં આના ઉપયોગના કારણે ખાસો મોટો વિવાદ થયો છે. એ સમયે અરવિંદ વેગડાએ ખુબ મોટો મોરચો માંડ્યો છે. પરંતુ આ ફિલ્મના સંગીતના સંશોધનકર્તા હોવા છતાં, પ્રફુલ દવે કોઈ જ પ્રતિક્રિયાઆપી નથી રહ્યા. નથી પ્રોડક્શન હાઉસ કશુય બોલતું કે નથી ભવાઈના નાયકો કાઈ કહેતા!

હવે આ બાબત પર તો જ પ્રકાશ પડી શકે કે જો અત્યારના સક્રિય ગુજરાતીઓ આ બાબતે કૈક ચોખવટ લઇ આવે. દિવ્ય ભાસ્કર આની પરની સ્ટોરીને આગળ વધારે અથવા GLF – ગુજરાત લીટરેચર ફેસ્ટીવલ તેમની પાસે રહેલા ગુજરાતી મહાનુભાવોનો સંપર્ક કરીને આ બાબતે ઊંડાણપૂર્વક કૈક કરે અથવા તો ગુજરાતી કળા સાથે જોડાયેલા લોકો જો આ બાબતના મૂળ સુધી પહોચે તો આ ભલા મોરી રામા અને ભાઈ ભાઈમાં જે રીતે અરવિંદ વેગડા પ્રખ્યાત થઇ ગયા છે, તેમ ભવાઈ પણ ફરી પાછી બેઠી થઇ જાય એવી શક્યતા તો છે જ.

Leave a Reply

Your email address will not be published.